Monday, September 27, 2010

" ચાર કલાકનો ચિરાયું "


સમય હતો રાત્રીના ૮.૧૫નો સમાચાર મળ્યા કે ભાઈના ઘેર બીજા સંતાન સ્વરૂપે પુત્રનો જન્મ થયો. ૯વાગ્યાનું બુલેટીન હતું પણ ખુશીનો કોઈ પાર ન રહ્યો. બુલેટીનનું કામ અધૂરું છોડીને ગણેશ ઉત્સવ હોવાથી ઓફીસમાં સ્થાપન કરેલા વિઘ્નહર્તાને માથું ટેકવ્યું અને સંકટ હરવા અરજ કરી. પણ એમ સીધો માની જાય તો તો એ ઈશ્વર શેનો ? પંદર મિનીટમાં બીજો ફોને આવ્યો બાળકની તબિયત બહુ ખરાબ છે. તાત્કાલિક વેન્ટીલેર પર રાખવા માટે બીજી હોસ્પિટલે ખસેડ્યો છે. સમાચાર સાંભળતાની સાથે જ કમ્પ્યુટર ડ્રાય સિન્ડ્રોમ વાળી મારી નિસ્તેજ અને ફિક્કી આંખો છલકાઈ ગઈ. ભત્રીજા અને ભત્રીજી પ્રાણથી પણ વ્હાલા અને એક બાળક મેં પણ ગુમાવેલું આથી કઈક અઘટિત ઘટવાના ભણકારા વાગવા લાગ્યા. હૃદયમાં બેચેની અને શરીરમાં અજંપો. વગર કારણે ઓફીસમાં બે ત્રણ જણને વઢી પણ લીધું. પણ મનની પીડા કોણ સમજે ? રાજકોટમાં મોત સામે એ જજુમતો હતો અને અમદાવાદમાં વિચારોના વિકરાળ આક્રમણ સામે હું.... કોને કહું ? શું કહું ? ભાઈ સાથે વાત કરું તો ઢળી પડું..એટલે અન્ય માધ્યમથી સમાચાર મેળવતો રેહતો.
ખબર પેહેલેથીજ હતી કે એ જયારે પણ અવતરશે ત્યારે કઈક આપતી આવશે. પણ મનમાં તેના જવાનો કોઈ ડર નહોતો. હૃદયના ખૂણેથી બસ એકજ અવાજ આવતો કઈ નહિ થાય...ચમત્કાર થશે જ..પણ શ્રદ્ધા હવે ક્યાં એટલી સબળ રહી છે ??? જય ગુરુદેવ બોલ્યા વિના જેના પિતા કોઈ વાક્યની શરૂઆત નથી કરતા, પૂજા પાઠ કર્યા વિના જેની માતા પાણી નથી પીતી..એ માંના કુખેથી એ જન્મ લઈને આવ્યો હતો. એટલે નાસ્તિક હોવા છતા ભગવાન પર વિશ્વાસ હતો. સમય વીતતો ગયો...વીતતો ગયો...અને ફોન આવ્યો.... ભાઈ...એ છોડીને ચાલ્યો ગયો !!!....આ પાંચ શબ્દ સાંભળીને સમય જાણે ત્યાં ને ત્યાં થંભી ગયો..શરીરમાં વહેતી લોહીની નદિયો બરફના સમુદ્રમાં ફેરવાઈ ગઈ..મન માનવા તૈયાર ન હતું અને હોય પણ કેમ ? કુળ આખામાં આ પેલો બનાવ હતો..એકબીજાને આપવા માટે શબ્દવિહીન સાંત્વના અને વેહેવડાવવા માટે અશ્રુ સિવાય કઈ જ નહતું. ડોકટરએ તો કહીજ દીધું હતું કે કીડની મોટી છે વધીને ચાર દિવસ જીવશે. પણ મન.... સાલ્લુ માનવા તૈયાર ન હતું. હતો કિડનીનો પ્રોબ્લેમ..કિડનીનું ફેફસા પર અતિક્રમણ થતા શ્વાસની તકલીફ અને પરિણામે ચાર કલાકની તબીબોની જેહમત બાદ મોત.
એ સવાર આજે પણ મને યાદ છે. જયારે તબીબોએ તેનો દેહ મને સોપ્યો. કાળા ઘમ્મર વાળ, બતક જેવો સફેદ વાન અને સામાન્ય બાળકથી થોડી વધુ ઉંચાઈ...બસ એટલુ જ જોઈ શક્યો હું..તેની સામે વધુ જોવાની હિંમત નહોતી મારામાં...જવાનું હતું સ્મશાને..તેના દેહની મુક્તિ માટે...અંતિમવિધિ કરવા...બસ એક જ વિચાર હતો મનમાં કે શું આ દિવસ જોવા હું જીવતો હતો ??? એના માસુમ હાથ-પગ ને અડ્યો છું...એના કપાળ પર હાથ પણ ફેરવ્યો... પણ એ બધું કફન સાથે...એ સ્પર્શ કદાચ આજીવન નહિ ભૂલી શકું..જન્મ સમયે ચકચકિત એની ત્વચા મૃત્યુ બાદ નિસ્તેજ થઈ ગઈ હતી..સ્મશાનમાં જયારે તેના માટે ખાડો ખોદાઈ રહ્યો હતો ત્યારે જીવનમાં પ્રથમ વખત આટલા આક્રંદ સાથે હું રડ્યો હોઈશ...
પણ હશે સાલ્લો યોગી...માં બાપે તેની ગર્ભાવસ્થા દરમિયાન એક ઉપનિષદ કે ગીતા કે રામાયણ કઈ જ બાકી નહોતું રાખ્યું વાંચવામાં..માના ઉદરમાં રોજ સાંજના બે કલાક તો મહામૃતુંન્જય જાપના હવનનો એ સાક્ષી હતો. દફનવિધિ જયારે ચાલતી હતી ત્યારે એક તરફ અલ્લાહની અજાન પઢાતી હતી તો બીજી તરફ શિવ મંદિરમાં મંગળા આરતી ચાલુ હતી..બ્રહ્મ મુહુર્તમાં એ તો આંખ ઉઘાડ્યા વિના ચાલ્યો ગયો... પણ અમે બધા હજીયે એની જ યાદમાં છીએ...૮ મહિના માના ઉદરમાં ઉછર્યા બાદ એણે ૪ કલાક અમારા કુળમાં વિતાવી. એ તો ગયો પણ અમુક સવાલ અધૂરા છોડતો ગયો...કે..

શું એ અમારા કુળમાં મોક્ષ માટે આવ્યો હતો ?
શું પોતાનું બલિદાન આપી ઈ માને જીવનદાન આપતો ગયો ?
ભજન ભક્તિથી થોડા વિમુખ થયેલા અમારા પરિવારને ભક્તિ કરાવતો ગયો ?
પરિવારની એક મોટી ઘાતને પોતાની માથે લેતો ગયો ?
કે કમાવવાની દોડમાં વિખુટા પડેલા અમારા પરિવારને ફરી એકઠો કરતો ગયો ?

આ સવાલોના જવાબ મને નથી જડતા પ્લીઝ તમને કઈ સુઝે તો કેહેજો. પણ ખબર નહિ રાત્રે સુતા સુતા કે પછી એકાંતમાં બેઠો હોવ ત્યારે હજી પણ દુર દુર થી એક જ અવાજ સંભળાયા કરે છે કે કાકા હું ફરીથી આવીશ...હું ફરીથી આવીશ...