Monday, January 10, 2011

.....તો પ્રેમ ભર્યું જીવતર પતંગ થઇ જાય...



"પ્રેમ કોઈ માણસને સંગ થઇ જાય 
તો પ્રેમ ભર્યું જીવતર પતંગ થઇ જાય" 

               મસ્તી, મિત્રો અને માંજાનો ત્રિવેણી સંગમ એટલે મકર સંક્રાંતિ. ઉતરાયણ અને મકર સંક્રાંતિને અમારા ગામડામાં "ખીહર" કે'વાય. મસ્તીની સાથે સાથે મકર સંક્રાંતિનું આપણા દેશમાં ધાર્મિક અને આધ્યાત્મિક પણ એટલું જ મહત્વ છે. મકર સંક્રાંતિ માત્ર ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર દુનિયામાં ઉજવાય છે અને તમામ જગ્યાએ તેની ઉજવણી પાછળ અલગ અલગ મહત્વ અને અલગ અલગ કારણો છે. જો કે વસંતઋતુમાં આવતા આ પર્વને એશિયામાં અનોખી રીતે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ પર દાન પુણ્ય અને સ્નાનનું અનોખું મહત્વ છે.ખાસ કરીને હિંદુઓ આ પર્વ સૂર્યનો આભાર માનવા મનાવતા હોવાનું ઇતિહાસમાં ટાંકવામાં આવ્યું છે.આ દિવસે લોકો આભાર પત્ર રૂપી પતંગોને  સૂર્ય તરફ મોકલી સૂર્ય જે પૃથ્વી માટે નિશ્વાર્થ પણે પોતાની ફરજ અદા કરે છે તેનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરે છે. પતંગ ઉડાવવાની પ્રથા માત્ર ભારતમાં જ નહિ પરંતુ અનેક દેશોમાં જોવા મળે છે.
               ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો ત્યાં લોકો પોતાનો  સંદેશ ઈશ્વર સુધી પહોચાડવા માટે પતંગ ઉડાવે છે. તો થાઇલેન્ડમાં પણ લોકો પોતાની પ્રાર્થના ભગવાન સુધી પહોચાડવા પતંગ ઉડાવે છે. વળી કોરિયામાં લોકો પોતાની સમૃદ્ધિ વધારવા માટે પતંગ ઉડાવે છે. એટલું નહિ કોરિયામાં તો કોઈ બાળક જન્મે એટલે તેની જન્મ તારીખ અને તેનું નામ પતંગ પર લખી આ બાળકના વિકાસ માટે પતંગને આકાશમાં મુકવામાં આવે છે. 
                પતંગના ઇતિહાસ પર નજર કરીએતો અંદાજે ૨૮૦૦ વર્ષ પહેલા ચીનમાં સૌપ્રથમ વાર પતંગ ઉડાવવાની શરૂઆત થઈ હોવાનું જાણવા મળે છે. જોકે અન્ય દેશોમાં પતંગ ઉડાવવાની વાતો સાંભળ્યા પછી આપણે આ તમામથી થોડા અલગ પડીએ છીએ. કારણકે બીજા બધા દેશોમાં પતંગ ચગાવવામાં આવે  છે અને આપણે ત્યાં પતંગ કાપવાની પ્રથા છે.  જોકે આ એક આનંદ- પ્રમોદની વાત છે. પણ પતંગ પાસેથી જો શીખવામાં આવે  તો ઘણું બધું શીખવા જેવું છે. 
એક અંગ્રેજી કેહવત છે કે... 
Don't be afraid of opposition.Remember that a kite rises against - not with - the wind.
               પતંગ આપણને શીખ આપે છે કે જીવનમાં નાની નાની વસ્તૂઓને ક્યારેય અવગણવી ના જોઈએ, કારણ કે "કાની" અથવા તો નાનકડી પૂછડી ગમે તેવા અસ્થિર પતંગ ને સ્થિર કરી શકે છે. આમ તો ઉતરાયણ  બાળકોનો તેહવાર છે  પણ એક રિસર્ચમાં સૌથી વધુ મોટા લોકો પતંગ ઉડાવતા હોવાનું બહાર આવ્યું છે. આપણને કોઈ પતંગ ઉડાવવાના નીતિનિયમો કહે તો આશ્ચર્ય લાગે પરંતુ થાઈલેન્ડમાં પતંગ ઉડાવવાના ૭૮ નિયમો છે. 
ઉતરાયણ અંગે ભાઈ સાઈરામને પૂછ્યું તો એમનું કેહવું છે કે..
"પતંગ ચગાવાય છે ઉતરાયણમાં ધાબા ઉપર, 
ગામ આખું ખડકાય છે ઉતરાયણમાં ધાબા ઉપર,
બાજુ વાળી છોકરીને બે ગીતો સંભળાવવા, 
દી' આખો ઈ દુખી થાય છે ઉતરાયણમાં ધાબા ઉપર...


ભગવતી કુમાર શર્માતો ઉતરાયણના દિનને ધરાના પાણીપત અને ગગનના પ્લાસીના યુદ્ધ સમાન ગણાવે છે.તો રમેશ પારેખ લખે છે કે... 
કેટલા ખેલ્યા હતા તે  જંગ ખુદા પૂછશે, 
તે લૂટ્યો તો કેટલો ઉમંગ ખુદા પૂછશે...
અને અંતમાં 
પ્રેમ અને મસ્તીનો સંગ થઈ જાય, 
તો માણસનો ચેહરો પતંગ થઈ જાય....

               તો આ ઉતરાયણ પર કોઈની પતંગ કાપવા કરતા આપણે આપણા અહંકાર, ઈર્ષા અને ક્રોધના પેચ કાપીએ..અને વર્ષોથી રૂઠેલા સ્વજનો સાથેના સંબંધોમાં સીંચ મારવા કરતા ઢીલ આપીએ...જેથી આપણો પ્રેમ પત્ર રૂપી પ્રાર્થનાનો પતંગ પરમેશ્વરના ચરણોમાં પહોંચે.