Tuesday, October 19, 2010

શૈશવના સંસ્મરણો

મુંછમાં એક સફેદ વાળ આવ્યો એ જોઇને હવે યુવાનીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યા હોવાનો અહેસાસ થયો.જો કે સફેદ વાળ આવે એટલે વૃદ્ધ એવું કોઈ પ્રતીપ વિધાન નથી. પણ તે દિવસે અરીસાની સામે ઉભાઉભા મન વિચારે ચડી ગયું ને દસ મિનીટમાં સાલ્લું આખું બાળપણ આંખ સામે તરવરી ઉઠ્યું. શો-કેસના દરવાજાની જેમ વચ્ચેથી ખુલે એવું એ અમારા ઘરે આવેલું ટીવી ગામનું પેલું બ્લેકેન-વાઈટ ટીવી હતું. અત્યારે જેમ રાજપથ અને કર્ણાવતીમાં લોકો સેલિબ્રિટીને જોવા જાય છે એમ ત્યારે લોકો અમારા નળિયાવાળા રૂમમાં રાખેલા એ ટીવીને જોવા આવતા..અત્યારનું બાળપણ અને આપણું બાળપણ કેટલું અલગ હતું. દૂરદર્શન પર આવતી એ સીરિઅલ્સ અને રેડિયો પર આવતો સીબાકા કાર્યક્રમ જાણે અજાણે આપણા અભિન્ન અંગો બની ગયા હતા. શરૂ શરૂમાંતો દૂરદર્શન સ્ટેશન બંધ થઇ જાય તો'ય મમ્મી સાથે ઝઘડીને અડધી કલાક ઝરમરીયા જોતો.

બુનિયાદ, માલગુડી ડેયસ, નુક્કડ, તેનાલી રામન, અલીફ લેલા, વ્યોમકેશ બક્ષી અને રામાયણ..એક ચોક્કસ પ્રકારના સંદેશ સાથે આવતી આ તમામ સીરિઅલ્સની ટીઆરપી તેને બનાવનાર અને પ્રસ્તુત કરનારની અપેક્ષાથી કરોડોગણી વધારે હતી. થોડા આગળ આવીએ તો ફૌજી , દેખ ભાઈ દેખ, અંતાક્ષરી, યે જો હે જિંદગી, જંગલ બૂક આ બધી સીરિઅલ્સના નામ આવતાની સાથે જ તેના પાત્રો આજે પણ આપણી આંખ સામે તરવરી ઉઠે. સીરિઅલ્સતો ઠીક પણ એ જમાનાની જાહેરાતો પણ વિશેષ હતી જેમ કે ટવાઈંગ.....નીરમાં.. અને વિકોની એ વર્ષો પુરાની એ એક જ મોડલ માં ચાલી આવતી એડ. જનરલ નોલેજનો ખજાનો પીરસતી સુરભીના રેણુકા સહાને અને સિદ્ધાર્થ હોય કે પછી દૂરદર્શનની એવરગ્રીન એન્કર સલમાન સુલતાન.. આ બધા જાણે અજાણે આપણા બાળપણ સાથે અવિસમરણીય રીતે જોડાઈ ગયા છે.

આપણે નાનપણમાં કોઈ ગેમ ઝોન કે મનોરંજનના બહુ સાધનોની ઓછી જરૂર પડતી હતી. એ સમયમાં નહોતા સીટ બેલ્ટ કે નહોતી એર બેગ નહોતા હેલ્મેટ કે નહોતા ની પેડ. છોલાઈ ગયેલા ગોઠણ અને કોણી, તૂટેલા દાંત અને કપાળમાં એકાદ છેકો...આ બધા તો મિત્રોમાં શુરવીરતાની નિશાની ગણાતા.નહોતા બાઇક કે બેટરી સ્કૂટર..બસ હતી તો કાકા બાપાના સાત ભાઈ બહેન વચ્ચે એક કેરિયર વગરની સાઈકલ. એ ચલાવવામાં મારા જેવા ઘરમાં નાના વ્યક્તિનોતો ભાગ્યેજ અજવાળે વારો આવતો. રમવા માટે મોટા બાપુના બજાજ કબનું ફાટી ગયેલું ટાયર અને સીસમની લાકડી..બસ હુરરરરર...કરીને નીકળી પડવાનું. માચીસ બોક્સની ભેગી કરેલી છાપુ, અંચાઈ કરીને જીતેલી લખોટીઓ અને પાનની દુકાન બહારથી વીણેલા કબીલા, આ ત્રણ વસ્તુનો જેટલો મોટો સંગ્રહ જેની પાસે હોય એને બસ વેકેશનમાં મજા...લેન્ડલાઇનના પણ જ્યાં ત્રીજી શેરી સુધી પીપી નમ્બર અપાતા હોય તો મોબાઈલ કે ઈંટરનેટ ની તો વાત જ શું ??? છતાય કોડ વર્ડ અને સીટીથી મિત્રોને ગોતવામાં પાંચ મિનીટથી વધુ સમય લાગ્યો નથી. આજે બબ્બે મોબાઈલ અને અનલીમીટેડ ઈંટરનેટ હોવા છતા મિત્રો સાથે ભાગ્યેજ વાત થઇ શકે છે.

ગામના અવેળે ઢોર ઢાંખર પહોચે તે પેલા ન્હાવું અને અને સહકારી મંડળી બહારની ડંકીએ હાથ મૂકી પીધેલું પાણી..રોજ પીતા મિનરલ વોટરના પાણી અને બબલ શેમ્પૂથી ન્હાવા છતાં વિસરાતું નથી. મિનરલ વોટર, અને ઇન્ટરનેશનલ બ્રાંડના કોલ્ડ્રીંક તો ક્યારેક વિદેશથી આવેલા કોકના મેમાન પાસે જ જોવા મળતા.અને ભૂલથી જો એકાદ દોસ્તારે કોકના ખર્ચે કોકા કોલાનું એકાદ ટીન પી લીધું હોય તો એ એના ઘરમાં બેઠક ખંડના શો-કેસમાં શિલ્ડની જેમ સ્થાન પામતું અને દિવાળીએ મમ્મીની ડાંટ બાદ એ ભંગારમાં જતું. નાગોલ. મોય દાંડિયા,ખુચામણીદા જેવી એક્ષ્પેન્સલેસ ગેમ્સમાં આપણું પોણું બાળપણ નીકળી જતું.અને આજે???

ઘાંસના ટ્રેકટર અને ટ્રકમાં પાછડથી ચડીને હળવેકથી શેરડીનો સાંઠો ખેસવી લેવો, વાડીમા વારંવાર કાંટા લાગે તોય કોઈનીએ પરવા કર્યા વગર બોર વીણવા..આ બધી જાણે દિનચર્યા બની ગઈ હતી. કેબલ ચલાવતા કાકા જો રાજી થાય જાય તો વીસીઆર આપતા અને એ વીસીઆરમાં ગામમાં જેની પાસે જે ફિલ્મ પડ્યું હોય તે વારંવાર જોવું. ૫૫ થી ૬૦ વખત જોયેલું "મર તે દમ તક" હજુ મને યાદ છે .વિડિયો ગેમ, એમપી૩, આયપોડ, ડીશ ટીવી, ડીવીડી, લેપ ટોપ અને ઇન્ટરનેટ આ બધામાંથી આપણી પાસે કઈ જ નહોતું..

આપણી પાસે હતા તો બસ પાક્કા દોસ્તારો..

ભાઈ મારું તો આવું હતું બાળપણ તમારું ???

જો તમારું પણ આવું જ હોય તો રાહ શેની જુઓ છો કરો ફોરવર્ડ આ બ્લોગ તમારા દોસ્તારને...