Friday, June 17, 2011

પપ્પા રીટાયર્ડ થાય છે !!!


જૂન મહિનાનો ત્રીજો રવિવાર એટલે ફાધર્સ ડે..કાશ મધર્સ ડે અને વેલેન્ટાઈન ડેની જેમ ફાધર્સ ડેની પણ ઉજવણી થતી હોત..પણ અફસોસ પપ્પા સામે લાગણી વ્યક્ત કરવામાં આજે પણ પુત્ર તરીકે આપણે થોડો સંકોચ અનુભવીએ છીએ. મધર્સ ડે અને ફાધર્સ ડે પર દર વખતે હું સાહિત્યિક ભાષાને સાઈડ પર મુકી એમની સાથેની અંગત વાતોને શબ્દોમાં ઢાળવાનો નિષ્ફળ પ્રયાસ કરૂ છું. દરેક વખતે મમ્મી અને પપ્પા સાથેના મારા સંબંધોને લઈને લખવા બેસું  છું. પરંતુ પાંપણોની અંદરથી આંસુઓનું ઘોડાપુર મારા કિ બોર્ડ પર છલકાઈ આવે છે. અને મારા હાથને રોકી દે છે. અને એ આર્ટીકલ અધુરો રહી જાય છે. આ બ્લોગ પર અત્યાર સુધી મે મારા લખેલા આર્ટીકલ જ મુક્યા છે. પરંતુ આજ પહેલી વાર ભાઈ સાંઈરામે અમારા પપ્પા વિશે લખેલું એક અચ્છાન્દસ મુકું છું. આશા છે આપને ગમશે.
પપ્પા રીટાયર્ડ થાય છે (અચ્છાન્દસ) – સાંઈરામ
આજે પપ્પા રીટાયર્ડ થાય છે.
શું પપ્પા કદી રીટાયર્ડ થઈ શકે ?
દરેક સંતાનનો પ્રથમ પુરુષ એકવચન એટલે પપ્પા
આમ તો, પોલાદ મે કદી સ્પર્શ્યું નથી,
હા, હું મારા પપ્પાને અડ્યો છું
મારા ઘરની વન મેન સરકાર એટલે પપ્પા
આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા
હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા
સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા
પપ્પાના મજબૂત હાથે જ્યારથી મારૂ બાવડું પકડ્યુ છે
ત્યારથી મારી રગે રગમાં એક નિર્ભયતા દોડી રહી છે .
મમ્મીએ મને ડરતા શીખવ્યું
પપ્પાએ મને લડતા શીખવ્યું
મમ્મીએ મારી ઠેંસ પર મલમપટ્ટી કરી છે
પપ્પાએ ઈ ઠેંસ જોઈને મારી ધૂળ કાઢી  છે
મમ્મીએ મને સંવેદનશીલ બનાવ્યો
જ્યારે પપ્પાએ મને સૈનિક બનાવ્યો છે.
પપ્પા એક પ્રકૃતિ છે જેમાં સતત બદલાવ આવ્યે રાખે છે.
મમ્મીને સમજી શકાય પણ પપ્પાને સમજવા સંતાનોની ફૂટપટ્ટી હંમેશા ટુંકી પડે છે.
આ પપ્પા જે સવારે થપ્પડ મારે અને સાંજે બગીચે ફરવા લઈ જાય છે.
આ પપ્પા જે પહેલા ખૂબ રોવડાવે અને પછી દિવાળીના ફટાકડા લઈ આવે
આ પપ્પા જે પોતે સાઈકલ સ્વીકારીને છોકરાવને બાઈક અપાવે
આ પપ્પા જે સંતાનોની બધી ઈચ્છા પુરી કરવા પોતાની તમામ ઈચ્છા દફનાવે
આ પપ્પા જે સીઝનનું પહેલું ફ્રુટ ઘરમાં લાવે અને કોઈના થેંક્યુંની પણ અપેક્ષા ન રાખે
આ પપ્પા જે કદી કોઈનું ધાર્યું કરે નહીં અને પોતાનું ધાર્યું બઘું કરાવે
આ પપ્પાને સમજવા આપણે કદાચ ફરી જન્મ લેવો પડશે .
આ પપ્પા રીટાયર્ડ થઈ શકે,  ટાયર્ડ નહીં...!
તમે સ્વીકારો કે ન સ્વીકારો હું તો સ્વીકારૂ છું કે આપણા પપ્પા પાસે આપણે કંઈ જ નથી.
પપ્પાની સાયકલની સીટ પર બેસીને જે દુનિયા મે જોઈ છે એ દુનિયા તો મને આજે મારી ફોર વ્હીલર કારમાંથી પણ નથી દેખાતી.
ક્યાંક એ દુનિયા પપ્પા સાથે રીટાયર્ડ તો નથી થઈ ગઈ ને ?
પપ્પાએ માંડ માંડ લોન લઈને લીધેલું એ પેલુ મકાન
જેના વ્હાઈટ વોશ કરવા માટે પપ્પા પાસે પૈસા નહોતા.
છતાય ઈંટે ઈંટે પપ્પાના પરસેવાનો કલર અમે અનુભવેલો
પપ્પાને મારી કિંમત છે, ને પપ્પા મારી હિંમત છે.
એક શ્રીફળ સમુ વ્યક્તિત્વ એટલે મારા પપ્પા
બહારથી કડક અને અંદરથી ભીના ભીના
પપ્પાનો સ્વભાવ કદી સુધારી ન શકાય કારણ કે ઈ પપ્પા છે .
પપ્પાને એની તમામ મર્યાદા સાથે સ્વીકારાય કારણ કે ઈ પપ્પા છે.
યાદ રાખજો પપ્પા નોકરીમાંથી રીટાયર્ડ થાય છે , મગજથી નહીં....
મારો અહમ, મારી બુદ્ધી, મારૂ સ્વમાન, મારૂ જ્ઞાન , મારી આવડત અને મારૂ આવું ઘણુ બધું જ....
મારા પપ્પાના પરસેવાના ચાર ટીપા સામે ક્ષુલ્લક છે.
પપ્પા હંમેશા મહાન જ હોય છે.
તોય એના મહાન સંતાનો એની ક્રેડીટ મમ્મીને આપે છે.
છતા પપ્પા મૌન સેવે છે. બસ એટલે જ પપ્પા મહાન છે.
પપ્પાની મહાનતા કોઈ કવિઓ, લેખકો કે વિવેચકોની મોહતાજ નથી
બસ એટલે પપ્પા મહાન છે. – સાંઈરામ

પપ્પા મારી દ્રષ્ટિએ....
લગ્ન માટે મને ન ગમતી છોકરી જોવા મજબૂર કરનારા મારા પપ્પા
સંગીતકાર ન થઈ શક્યો તેનો રોજ એક વાર અનુભવ કરાવનારા મારા પપ્પા
જીવનમાં હું કંઈ જ નહીં કરી શકું એવું સતત કહેનારા મારા પપ્પા
એકની એક વસ્તું અને વાત રોજ ચાર વાર કરનારા મારા પપ્પા
કરકસરની વાત કરી મારા કપ બોર્ડમાં જીન્સનો ઢગલો બતાવનારા મારા પપ્પા
સંયમ જીવનની ખેવના હંમેશા મારી પાસે રાખનારા મારા પપ્પા
દાંડિયા રાસ, ડાન્સ અને મારી ઈતર પ્રવૃતિઓનો ભરપુર વિરોધ કરનારા મારા પપ્પા
મારી દલીલોથી કંટાળી મને માથાકૂટનું મશીન કહેનારા મારા પપ્પા
સાત પેઢીમાં કોઈને જર્નાલિઝમ ન કરવા દેવાનું પ્રણ લેનારા મારા પપ્પા
અને આ બધાથી વિપરીત
ભાડાના મકાનમાં રહેતો જોઈ, રોજ મને ઘરનું મકાન લઈ દેવાના સપના જોનારા મારા પપ્પા
પ્રાઈવેટ જોબ હોવાથી, ડરતો નહીં,  મારૂ પીએફ પડ્યું છે, એમ છાનું માનું કહેનારા મારા પપ્પા
અમદાવાદના તડકામાંથી આવ્યા બાદ, બસ એક તારી કાર આવી જાય, કહેનારા મારા પપ્પા
નાઈટ જર્ની કરી ઘરે પહોંચ્યા બાદ, સવારે છાના માના મારા પગ દાબનારા, મારા પપ્પા
માફ કરજો દોસ્તો....આથી વધારે નહીં લખી શકું.
મને મારા ભાઈએ કહેલું કે પપ્પાને જેટલો જલ્દી સમજી શકે ને એટલો સમજી જજે. બસ તે દિવસથી મે મનોમન પપ્પા સાથે થતી સૈદ્ધાંતિક લડાઈઓ છોડી તેને સમજવાનો પ્રયત્ન શરૂ કરેલો. બસ ત્યારથી મને અંદર અંદર એક અનોખો આનંદ આવવા લાગ્યો...જે અવિરતપણે ચાલું છે...આજે પણ પપ્પા સ્વભાવગત મારી ઘણી વખત, ઘણાની વચ્ચે ધૂળ કાઢી નાખે છે. પણ ખબર નહી જે વાતો પર પહેલા ગુસ્સો આવતો એ તમામ બાબતો પર હવે હરવખત પ્રેમ આવે છે....કારણ કે ઈ પપ્પા છે.
મમ્મી, ભાઈ, બહેન આ તમામને તો આપણે ગળે મળીને ગીલા શિકવા બે મિનિટમાં દૂર કરી લઈએ છીએ પરંતુ  ચાલો આ ફાધર્સ ડે પર જેમને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ છીએ પરંતુ ક્યારેય કહી શક્યા નથી. તે પિતાને  મનમુકીને પ્રેમ કરીએ ...અને તેમને સમજવાનો પ્રયત્ન કરીએ....કારણ કે ઈ પપ્પા છે. 


અમિત દવે