Tuesday, March 1, 2011

શિવ ઓ શંભુ હવે એકો તુહી આકાર છે ...



આજે મહાવદ ચૌદશ અને શિવરાત્રીનો પર્વ પરમપિતા અને દિવ્ય અવતરણની યાદગારનું મહાન પર્વ એટલે મહાશિવરાત્રી. સમગ્ર દેશમાં આજે હરહર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ સાથે શિવરાત્રીના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે. દુખહર્તા, સુખ કર્તા, અને જગતના પાપોનું વિષ પિનારા આ પરમાત્માને શિવ, શંકર, શંભુ, મહાદેવ, મહેશ, ભોળાનાથ, નિલકંઠ, મુક્તેશ્વર, ત્રિભુનેશ્વર, મહાકાલેશ્વર, અમરનાથ, ગોપેશ્વર, રામેશ્વર, વિશ્વનાથ, સોમનાથ, બબુલનાથ, ઉમાનાથ અને નટરાજ સહિત આદી નામથી સંબોધવામાં આવે છે. જેનો આદી નથી અંત નથી જે રજ રજ અને કણકણમાં સમાયેલા છે એવા નિરંજન નિરાકાર સ્વરૂપ શિવની આરાધનાનો આજે ઉત્તમ દિવસ છે. શિવરાત્રીની ઉપાસનાનું એક આધ્યાત્મિક રહસ્ય છે. આજના દિવસ શિવભક્તો ઉપવાસ કરી પુજા અર્ચના કરે છે. શિવમંદીરોમાં ભાંગની પ્રસાદી આપવામાં આવે છે. ભગવાન શિવ સાથે જોડાયેલી તમામ વસ્તુંઓનું એક અલગ જ મહત્વ છે.
દુહામાં લખાયેલું છે કે
દેવોની પાસે દૂત, રૂપાળા સઘળા રયે
ભેળો રાખે ભૂત ઈ કૈલાશ વાળો કાગળા....

પાર્વતી પતિ શંકર સમગ્ર દેવોમા એક અલગ જ મહત્વ ધરાવે છે. શિવ અને શિવરાત્રી સાથે જોડાયેલી કેટલીક બાબતો વિશે જાણીએ.  શિવરાત્રીનો ઉપવાસ પરમાત્માને બુદ્ધીથી યાદ કરી એમની સમીપ રહેવાનો નિર્દેશ કરે છે. તો જાગરણ આત્માની જ્યોતિ જગાવવાનો સંદેશ આપે છે. પરમાત્મા પ્રત્યેના સમર્પણ સમુ બીલીપત્ર ધતુરાના પુષ્પો શિવલીંગ પર ચઢાવવામાં આવે છે. જ્યારે ભાંગ ઈશ્વરીય યાદથી મળતી અતિન્દ્રી સુખની યાદ અપાવે છે. ભગવાન ભોળાનાથની શિવલીંગ ગર્ભગૃહમાં અંધારામાં રાખવામાં આવે છે. તેઓ બ્રહ્મા વિષ્ણુ અને શંકરના પણ રચયિતા છે. તેથી શિવલીંગ પર ત્રણ રેખાઓ દોરવામાં આવે છે. પોઠીયો પરમાત્મા જે તનનો આધાર લઈ દિવ્ય અવતરણ કરે છે તે પ્રજાપિતા બ્રહ્માની યાદ કરાવે છે. ઘંટ આત્મજાગૃતિનું સુચન કરે છે. જળાધારી સતત આત્મચિંતન દ્વારા જ્ઞાન ટપકતું રહે તેની યાદ અપાવે છે. જ્યારે કાચબો જિતેન્દ્રીય સ્થિત પ્રજ્ઞયોગીની યાદ અપાવે છે. આજે સમગ્ર દિવસ દરમિયાન મહાદેવ હરના નાદ સાથે શિવમંદીરોમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.તો મધ્યરાત્રીએ શિવાલયોમાં દીપમાળાઓ જળહળતી હશે તો વળી ક્યાંક...
ધ્યાયે નિત્યં મહેશ રજતગિરિ નિજાચારૂ ચંદ્રાવસંતમના શ્લોક સાથે કોઈ શાંત સાધક આરાધના કરતા નજરે પડે છે.

શિવ એટલે એક એવા દેવ કે જેના માટે રાવણે પણ લખવું પડ્યું હોય કે,
જટા કટા હસંભ્રમં, ભ્રમં નિલિમ્પ નિર્જરી
વિલોલવી ચિવલ્લરી, વિરાજમાન મૂર્ધની
ધગ ધગ ધગ જ્વલંમ લલાટ પટ્ટ પાવકે
કિશોર ચંદ્ર શેખરે, રતિ પ્રતિ ક્ષણં મમ
આવા આરાધ્ય દેવ મહાશિવશંકરના પાવન પર્વ નિમિતે એટલું જ કહી શકાય કે
હિમાલય પર નથી જાવું, નથી  કૈલાશને અડવું
નથી શિવની જટાથી, જ્હાનવી રૂપ લઈ નીચે પડવું
ફક્ત એક નાની શી ઈચ્છા રમી રહી છે હ્યદય મારે
બીલીનું પત્ર થઈ, ભોળાનાથના મસ્તકે ચઢવું...

તમામ દેવોમાં ભગવાન શિવ જ એક એવા છે કે જેનો સમગ્ર પરિવાર પુજાય છે..ઉપરાંત શિવ એ એક એવા દેવ છે કે જેના મંદિરો પાછળ લય લાગે છે..બાકી કોઈ દેવી દેવતાના મંદીરો પાછળ લય લાગતું નથી..ભગવાન શિવ પર લિંબડીના રાજકવિ શંકરદાન દેથા લખે છે કે....

અંતરતણી વાતો અકથનીય ક્યાંક કહી જાતી નથી
સંસારની વિપત્તી વિકટ તે પણ સહી જાતી નથી
ક્યાં જઈ કથા કહું, સાંભળે કોણ ? કોણ દુખ હરનાર છે ?
ઓ શિવ ઓ શંભુ હવે એકો તુહી આકાર છે ...એકો તુહી આકાર છે....

અમિત દવેના જય શામ્બ