Thursday, December 2, 2010

ચુંબન

........ તમામને ગમતી 'ને તમામ દ્વારા વખોળાતી વાત...
        ફેસ બુક પર  મિત્ર જીતુની વોલ પર ઇમરાન હાશમી અને મલ્લિકા પ્રત્યેની જીતુનીસહાનુભુતિ વાંચી..વાત ઇમરાન હાશમીની હતી પણ લાગણી જીતુની લાગી. ઠીક છે વાયા વાયા પણ લાગણીને વાચા તો આપી એ ગમ્યું..ચુંબન એ હંમેશાથી ચોરે ને ચોંટે ચર્ચાતો ટોપીક છે. સિરીઅલ્સ, બોલીવૂડ અને હવેતો ઢોલીવૂડમાં પણ કિસ્સા કિસ કા...બહુ ફેમસ બન્યા છે. અને કિસ ગમે તે કરે પણ પારકી પંચાતના પ્રમુખ બની બેઠેલા અમે મીડિયાવાળા આ બધાને પૂર્ણતઃ ન્યાય આપવાની કોશિષ કરીએ. ક્યાંક વાંચ્યુતુ કે "કાનને કહેવાની વાત હોઠને કહેવી તે ચુંબન."  ચુંબનના આમતો ઘણા પ્રકાર છે. પણ આની પદ્ધતિ અને પ્રકાર સાથે આપણે બહુ લેવા દેવા નથી. ગમે તે પ્રકારે અને ગમે તે રીતે આપણે બસ આની મજા જ લુંટતા હોઈએ છીએ.  અને કેમ નહિ ? એક કવિએ એટલે જ કદાચ લખ્યું હશે કે " ઈશ્વરને પણ ઈર્ષા આવે એવી વાત એટલે ચુંબન...જો એ ભૂલ મનુષ્ય નહિ કરે તો કરશે કોણ ? "કશું ન કહીને પણ બધુજ કહી દેવાની કળા એટલે કિસ. 
કાયમ અલી હજારી લખે છે કે..
"ઉત્સવ આંસુ સપના ડુમો, આદમ ઈવનું પહેલું ચુંબન,
આદમિયતાનો છે તરજુમો, આદમ ઈવનું પહેલું ચુંબન"

તો આંગણામાં ભીની ઝાકળ જોઈ એક કવિએ તેને પ્રિયતમાના ચુંબન સાથે સરખાવી લખ્યું છે કે..

"જેમ ચોખ્ખા આભને વાદળ મળે, એમ આ એકાંતને કાગળ મળે 
આ હવાને તે કર્યું ચુંબન હશે, આંગણામાં એટલે ઝાકળ મળે "

જયારે શબ્દો શાંત થાયને ત્યારે ચુંબન શરૂ થાય છે. કિસને મોનનો પર્યાય માનવામાં આવે છે. હથેળીમાં રહેલી ઉર્મીઓ જયારે પતંગિયું બને છે ત્યારે એ ચુંબન થઇ જાય છે. 
        
આટલું  વાંચ્યા પછી તમને થતું હશે કે શું આ ક્યારનો ચુંબન ચુંબન ચોટયો છે નહિ ?  આપણે ચુંબનને હંમેશાથી માત્ર લીપલોકના પરીપેક્ષમાં જ જોતા આવ્યા છીએ. પ્રિયજનના કપાળ પર કે ગાલ પર વ્હાલ આપવાનો તો હવેના જનરેશનમાં કદાચ કોઈને વિચાર પણ  આવતો હશે કે કેમ ?  એક સાઈકોલોજિકલ સર્વેમાં એવું તારણ બહાર આવ્યું છે કે યુવતીઓ પોતાની પ્રથમ કિસમાં જ નક્કી કરી લે છે કે તેને એ યુવક સાથે કેટલો સમય રીલેશન રહેશે. આપણે ત્યાં તો સાઈલેન્સ ઝોન 'ને એક્સિડન્ટ પ્રોન ઝોન  હોય છે પણ વિદેશમાંતો કિસિંગ ઝોન બનાવવા પડ્યા છે.  જો કે એ વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને બનાવાયા છે. બ્રિટનમાં કિસને લઈને યુવાનોમાં ભારે ગેરસમજ જોવા મળે છે. એક સર્વે મુજબ બ્રિટનમાં અમુક યુવાનો એમ માને છે કે કિસ કરવાથી કેન્સરની શક્યતાઓ વધે છે તો અમુક લોકો એવું પણ માને છે કે મેદસ્વી લોકો કિસ કરવાથી બીમાર પડી જાય છે. 
હવે આને કોણ સમજાવે ????

એક હાસ્ય કવિએ લખ્યું છે કે..
"પ્રેમના પાપડ ને ચુંબનના ચટકા, લાવ તારા ગાલ મારે ભરવા છે બટકા"

ભાઈ આ ચુંબનની ચટાકેદાર ચર્ચાતો ચારેકોર ચાલતી જ રેહવાની પણ એટલું જરૂર કહી શકાય કે ચુંબન વિશે બહુ વાતો ન કરાય એ તો કરવાની વસ્તુ છે. 

અમિત દવે