Friday, August 12, 2011

એક બહેન તો હોવી જ જોઈએ.....


એક બહેન તો હોવી જ જોઈએ.....

  • જેની સામે તમે ઘરમાં  જોહુકમી કરી શકો
  • જેને હાલતા ચાલતા ટપલા મારી હેરાન કરી શકો
  • જેની જીદો અટકાવી, તમારૂ ધાર્યું કરાવી તમે તમારા અસ્તિત્વનો આનંદ માણી શકો
  • કોઈને પણ ન કહી શકો તે વાત પ્રેમથી વિના સંકોચે જેને કહી શકો
  • મમ્મી-પપ્પાની ડાંટ સામે જેને હથિયાર બનાવી શકો
  • જે પપ્પાથી તમને બચાવવા તમારા કરેલા બધા તોફાન પોતાના માથે લઈ લે
  • જે નવા વર્ષના દિવસે તમારા તૂતિયારા વેળાને લીધે તહેવાર છોડી તમારા કપડાને ઈસ્ત્રી કરતી હોય 
  • જે તમારી નવી જોડી લીધા પછી તેના શ્રી ગણેશ ક્યારથી કરવા તે નક્કી કરતી હોય  
  • જે તમારી કરેલી ભૂલોને લીધે બીજાની થપ્પડ પણ ખાઈ લેતી હોય
  • જે કોઈ પણ વાનગી બની હોય ત્યારે  મારો ભાઈ બાકી છે એમ કહી થોડો ભાગ રાખી મુકતી હોય
  • જે તમને ખૂબ પ્રેમ કરતી હોય પણ તમારા આંખના પલકારાથી પણ ડરતી હોય
  • આખા ઘરની વિરૂદ્ધ થઈ તમને રાજી કરવા પોતાના તમામ શોખનું ગળુ દબાવી દેતી હોય
  • તારો ભરોસો નહીં તેમ કહીં હમઉમ્ર બહેનપણીને ઘરમાં પણ ન આવવા દેતી હોય   
  • બાજુ વાળી છોકરી જો ભુલથી હસીને વાત કરે તો તમારા પર કાળકા થઈને વરસતી હોય

આવું બધું અવાર નવાર કરતી હોય તેવી એક બહેન તો હોવી જ જોઈએ.

 જો એક બહેન હોય....
  • તો જ સંવેદનાની અનુભૂતિ આવે
  • તો જ પગે લાગેલી ઠોકરનો અહેસાસ આવે
  • તો જ ઘરમા તમને સતત ખૂંચી રહેતા ખાલીપાનો ખ્યાલ આવે


બહેન એ ક્યારેક દિકરી સમાન હોય છે તો ક્યારેક માં સમાન.  મોટી બહેનના હાલરડા સાંભળો તો એ મા થી કમ નથી હોતા અને નાની બહેનને ખોળામાં સુવડાવવાનો આનંદ એ દિકરીથી કમ નથી હોતો. રવિન્દ્રનાથ ટેગોર બહેનને જનનીની પ્રતિનીધી ગણાવે છે.

સ્થિર ધેર્ય ભરે ભરાઘટ લયે માથે, વામકક્ષે થાલી, યાય બાલા ડાન હતે,
ધરિ શિશુકર જનનીર પ્રતિનિધી, કર્મ ભારે અવનત અતિ છોટો દિદિ- ટેગોર
(ભરેલો ઘડો માથે લઈને ડાંબી કાંખમાં થાડી રાખીને જમણા હાથે શિશુનો હાથ જાલી એક બાળા ચાલી જાય છે ..કામના ભારથી નમેલી આ નાનકડી મોટી બ્હેન જનનીની પ્રતિનિધી છે. )

મારે સગી બહેન નથી પણ મનામણા રિસામણામાં રક્ષાબંધનની સાંજ સુધી ક્યારેક પિતરાઈ બહેન પાસે રાખડી નહોતો બાંધતો. અને એટલે જ આજે કદાચ રક્ષાબંધને કાંડુ ખાલી રહે છે. રાખડી તો કુરિયરથી પણ પહોંચી જાય છે. પણ જેની પાસે પહોંચવું હોય છે તેની પાસે પહોંચી શકાતું નથી. બહેનો સાથે તોફાન મસ્તીમા ગાળેલા એ દિવસો આજે ખુબ યાદે છે...પણ ન તો એ દિવસો પાછા આવી શકે તેમ છે કે ન બહેનો...એટલે જ અહેસાસ  થાય છે કે એક બહેન તો હોવી જ જોઈએ...


Friday, June 17, 2011

પપ્પા રીટાયર્ડ થાય છે !!!


જૂન મહિનાનો ત્રીજો રવિવાર એટલે ફાધર્સ ડે..કાશ મધર્સ ડે અને વેલેન્ટાઈન ડેની જેમ ફાધર્સ ડેની પણ ઉજવણી થતી હોત..પણ અફસોસ પપ્પા સામે લાગણી વ્યક્ત કરવામાં આજે પણ પુત્ર તરીકે આપણે થોડો સંકોચ અનુભવીએ છીએ. મધર્સ ડે અને ફાધર્સ ડે પર દર વખતે હું સાહિત્યિક ભાષાને સાઈડ પર મુકી એમની સાથેની અંગત વાતોને શબ્દોમાં ઢાળવાનો નિષ્ફળ પ્રયાસ કરૂ છું. દરેક વખતે મમ્મી અને પપ્પા સાથેના મારા સંબંધોને લઈને લખવા બેસું  છું. પરંતુ પાંપણોની અંદરથી આંસુઓનું ઘોડાપુર મારા કિ બોર્ડ પર છલકાઈ આવે છે. અને મારા હાથને રોકી દે છે. અને એ આર્ટીકલ અધુરો રહી જાય છે. આ બ્લોગ પર અત્યાર સુધી મે મારા લખેલા આર્ટીકલ જ મુક્યા છે. પરંતુ આજ પહેલી વાર ભાઈ સાંઈરામે અમારા પપ્પા વિશે લખેલું એક અચ્છાન્દસ મુકું છું. આશા છે આપને ગમશે.
પપ્પા રીટાયર્ડ થાય છે (અચ્છાન્દસ) – સાંઈરામ
આજે પપ્પા રીટાયર્ડ થાય છે.
શું પપ્પા કદી રીટાયર્ડ થઈ શકે ?
દરેક સંતાનનો પ્રથમ પુરુષ એકવચન એટલે પપ્પા
આમ તો, પોલાદ મે કદી સ્પર્શ્યું નથી,
હા, હું મારા પપ્પાને અડ્યો છું
મારા ઘરની વન મેન સરકાર એટલે પપ્પા
આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા
હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા
સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા
પપ્પાના મજબૂત હાથે જ્યારથી મારૂ બાવડું પકડ્યુ છે
ત્યારથી મારી રગે રગમાં એક નિર્ભયતા દોડી રહી છે .
મમ્મીએ મને ડરતા શીખવ્યું
પપ્પાએ મને લડતા શીખવ્યું
મમ્મીએ મારી ઠેંસ પર મલમપટ્ટી કરી છે
પપ્પાએ ઈ ઠેંસ જોઈને મારી ધૂળ કાઢી  છે
મમ્મીએ મને સંવેદનશીલ બનાવ્યો
જ્યારે પપ્પાએ મને સૈનિક બનાવ્યો છે.
પપ્પા એક પ્રકૃતિ છે જેમાં સતત બદલાવ આવ્યે રાખે છે.
મમ્મીને સમજી શકાય પણ પપ્પાને સમજવા સંતાનોની ફૂટપટ્ટી હંમેશા ટુંકી પડે છે.
આ પપ્પા જે સવારે થપ્પડ મારે અને સાંજે બગીચે ફરવા લઈ જાય છે.
આ પપ્પા જે પહેલા ખૂબ રોવડાવે અને પછી દિવાળીના ફટાકડા લઈ આવે
આ પપ્પા જે પોતે સાઈકલ સ્વીકારીને છોકરાવને બાઈક અપાવે
આ પપ્પા જે સંતાનોની બધી ઈચ્છા પુરી કરવા પોતાની તમામ ઈચ્છા દફનાવે
આ પપ્પા જે સીઝનનું પહેલું ફ્રુટ ઘરમાં લાવે અને કોઈના થેંક્યુંની પણ અપેક્ષા ન રાખે
આ પપ્પા જે કદી કોઈનું ધાર્યું કરે નહીં અને પોતાનું ધાર્યું બઘું કરાવે
આ પપ્પાને સમજવા આપણે કદાચ ફરી જન્મ લેવો પડશે .
આ પપ્પા રીટાયર્ડ થઈ શકે,  ટાયર્ડ નહીં...!
તમે સ્વીકારો કે ન સ્વીકારો હું તો સ્વીકારૂ છું કે આપણા પપ્પા પાસે આપણે કંઈ જ નથી.
પપ્પાની સાયકલની સીટ પર બેસીને જે દુનિયા મે જોઈ છે એ દુનિયા તો મને આજે મારી ફોર વ્હીલર કારમાંથી પણ નથી દેખાતી.
ક્યાંક એ દુનિયા પપ્પા સાથે રીટાયર્ડ તો નથી થઈ ગઈ ને ?
પપ્પાએ માંડ માંડ લોન લઈને લીધેલું એ પેલુ મકાન
જેના વ્હાઈટ વોશ કરવા માટે પપ્પા પાસે પૈસા નહોતા.
છતાય ઈંટે ઈંટે પપ્પાના પરસેવાનો કલર અમે અનુભવેલો
પપ્પાને મારી કિંમત છે, ને પપ્પા મારી હિંમત છે.
એક શ્રીફળ સમુ વ્યક્તિત્વ એટલે મારા પપ્પા
બહારથી કડક અને અંદરથી ભીના ભીના
પપ્પાનો સ્વભાવ કદી સુધારી ન શકાય કારણ કે ઈ પપ્પા છે .
પપ્પાને એની તમામ મર્યાદા સાથે સ્વીકારાય કારણ કે ઈ પપ્પા છે.
યાદ રાખજો પપ્પા નોકરીમાંથી રીટાયર્ડ થાય છે , મગજથી નહીં....
મારો અહમ, મારી બુદ્ધી, મારૂ સ્વમાન, મારૂ જ્ઞાન , મારી આવડત અને મારૂ આવું ઘણુ બધું જ....
મારા પપ્પાના પરસેવાના ચાર ટીપા સામે ક્ષુલ્લક છે.
પપ્પા હંમેશા મહાન જ હોય છે.
તોય એના મહાન સંતાનો એની ક્રેડીટ મમ્મીને આપે છે.
છતા પપ્પા મૌન સેવે છે. બસ એટલે જ પપ્પા મહાન છે.
પપ્પાની મહાનતા કોઈ કવિઓ, લેખકો કે વિવેચકોની મોહતાજ નથી
બસ એટલે પપ્પા મહાન છે. – સાંઈરામ

પપ્પા મારી દ્રષ્ટિએ....
લગ્ન માટે મને ન ગમતી છોકરી જોવા મજબૂર કરનારા મારા પપ્પા
સંગીતકાર ન થઈ શક્યો તેનો રોજ એક વાર અનુભવ કરાવનારા મારા પપ્પા
જીવનમાં હું કંઈ જ નહીં કરી શકું એવું સતત કહેનારા મારા પપ્પા
એકની એક વસ્તું અને વાત રોજ ચાર વાર કરનારા મારા પપ્પા
કરકસરની વાત કરી મારા કપ બોર્ડમાં જીન્સનો ઢગલો બતાવનારા મારા પપ્પા
સંયમ જીવનની ખેવના હંમેશા મારી પાસે રાખનારા મારા પપ્પા
દાંડિયા રાસ, ડાન્સ અને મારી ઈતર પ્રવૃતિઓનો ભરપુર વિરોધ કરનારા મારા પપ્પા
મારી દલીલોથી કંટાળી મને માથાકૂટનું મશીન કહેનારા મારા પપ્પા
સાત પેઢીમાં કોઈને જર્નાલિઝમ ન કરવા દેવાનું પ્રણ લેનારા મારા પપ્પા
અને આ બધાથી વિપરીત
ભાડાના મકાનમાં રહેતો જોઈ, રોજ મને ઘરનું મકાન લઈ દેવાના સપના જોનારા મારા પપ્પા
પ્રાઈવેટ જોબ હોવાથી, ડરતો નહીં,  મારૂ પીએફ પડ્યું છે, એમ છાનું માનું કહેનારા મારા પપ્પા
અમદાવાદના તડકામાંથી આવ્યા બાદ, બસ એક તારી કાર આવી જાય, કહેનારા મારા પપ્પા
નાઈટ જર્ની કરી ઘરે પહોંચ્યા બાદ, સવારે છાના માના મારા પગ દાબનારા, મારા પપ્પા
માફ કરજો દોસ્તો....આથી વધારે નહીં લખી શકું.
મને મારા ભાઈએ કહેલું કે પપ્પાને જેટલો જલ્દી સમજી શકે ને એટલો સમજી જજે. બસ તે દિવસથી મે મનોમન પપ્પા સાથે થતી સૈદ્ધાંતિક લડાઈઓ છોડી તેને સમજવાનો પ્રયત્ન શરૂ કરેલો. બસ ત્યારથી મને અંદર અંદર એક અનોખો આનંદ આવવા લાગ્યો...જે અવિરતપણે ચાલું છે...આજે પણ પપ્પા સ્વભાવગત મારી ઘણી વખત, ઘણાની વચ્ચે ધૂળ કાઢી નાખે છે. પણ ખબર નહી જે વાતો પર પહેલા ગુસ્સો આવતો એ તમામ બાબતો પર હવે હરવખત પ્રેમ આવે છે....કારણ કે ઈ પપ્પા છે.
મમ્મી, ભાઈ, બહેન આ તમામને તો આપણે ગળે મળીને ગીલા શિકવા બે મિનિટમાં દૂર કરી લઈએ છીએ પરંતુ  ચાલો આ ફાધર્સ ડે પર જેમને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ છીએ પરંતુ ક્યારેય કહી શક્યા નથી. તે પિતાને  મનમુકીને પ્રેમ કરીએ ...અને તેમને સમજવાનો પ્રયત્ન કરીએ....કારણ કે ઈ પપ્પા છે. 


અમિત દવે 

Tuesday, March 1, 2011

શિવ ઓ શંભુ હવે એકો તુહી આકાર છે ...



આજે મહાવદ ચૌદશ અને શિવરાત્રીનો પર્વ પરમપિતા અને દિવ્ય અવતરણની યાદગારનું મહાન પર્વ એટલે મહાશિવરાત્રી. સમગ્ર દેશમાં આજે હરહર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ સાથે શિવરાત્રીના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે. દુખહર્તા, સુખ કર્તા, અને જગતના પાપોનું વિષ પિનારા આ પરમાત્માને શિવ, શંકર, શંભુ, મહાદેવ, મહેશ, ભોળાનાથ, નિલકંઠ, મુક્તેશ્વર, ત્રિભુનેશ્વર, મહાકાલેશ્વર, અમરનાથ, ગોપેશ્વર, રામેશ્વર, વિશ્વનાથ, સોમનાથ, બબુલનાથ, ઉમાનાથ અને નટરાજ સહિત આદી નામથી સંબોધવામાં આવે છે. જેનો આદી નથી અંત નથી જે રજ રજ અને કણકણમાં સમાયેલા છે એવા નિરંજન નિરાકાર સ્વરૂપ શિવની આરાધનાનો આજે ઉત્તમ દિવસ છે. શિવરાત્રીની ઉપાસનાનું એક આધ્યાત્મિક રહસ્ય છે. આજના દિવસ શિવભક્તો ઉપવાસ કરી પુજા અર્ચના કરે છે. શિવમંદીરોમાં ભાંગની પ્રસાદી આપવામાં આવે છે. ભગવાન શિવ સાથે જોડાયેલી તમામ વસ્તુંઓનું એક અલગ જ મહત્વ છે.
દુહામાં લખાયેલું છે કે
દેવોની પાસે દૂત, રૂપાળા સઘળા રયે
ભેળો રાખે ભૂત ઈ કૈલાશ વાળો કાગળા....

પાર્વતી પતિ શંકર સમગ્ર દેવોમા એક અલગ જ મહત્વ ધરાવે છે. શિવ અને શિવરાત્રી સાથે જોડાયેલી કેટલીક બાબતો વિશે જાણીએ.  શિવરાત્રીનો ઉપવાસ પરમાત્માને બુદ્ધીથી યાદ કરી એમની સમીપ રહેવાનો નિર્દેશ કરે છે. તો જાગરણ આત્માની જ્યોતિ જગાવવાનો સંદેશ આપે છે. પરમાત્મા પ્રત્યેના સમર્પણ સમુ બીલીપત્ર ધતુરાના પુષ્પો શિવલીંગ પર ચઢાવવામાં આવે છે. જ્યારે ભાંગ ઈશ્વરીય યાદથી મળતી અતિન્દ્રી સુખની યાદ અપાવે છે. ભગવાન ભોળાનાથની શિવલીંગ ગર્ભગૃહમાં અંધારામાં રાખવામાં આવે છે. તેઓ બ્રહ્મા વિષ્ણુ અને શંકરના પણ રચયિતા છે. તેથી શિવલીંગ પર ત્રણ રેખાઓ દોરવામાં આવે છે. પોઠીયો પરમાત્મા જે તનનો આધાર લઈ દિવ્ય અવતરણ કરે છે તે પ્રજાપિતા બ્રહ્માની યાદ કરાવે છે. ઘંટ આત્મજાગૃતિનું સુચન કરે છે. જળાધારી સતત આત્મચિંતન દ્વારા જ્ઞાન ટપકતું રહે તેની યાદ અપાવે છે. જ્યારે કાચબો જિતેન્દ્રીય સ્થિત પ્રજ્ઞયોગીની યાદ અપાવે છે. આજે સમગ્ર દિવસ દરમિયાન મહાદેવ હરના નાદ સાથે શિવમંદીરોમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.તો મધ્યરાત્રીએ શિવાલયોમાં દીપમાળાઓ જળહળતી હશે તો વળી ક્યાંક...
ધ્યાયે નિત્યં મહેશ રજતગિરિ નિજાચારૂ ચંદ્રાવસંતમના શ્લોક સાથે કોઈ શાંત સાધક આરાધના કરતા નજરે પડે છે.

શિવ એટલે એક એવા દેવ કે જેના માટે રાવણે પણ લખવું પડ્યું હોય કે,
જટા કટા હસંભ્રમં, ભ્રમં નિલિમ્પ નિર્જરી
વિલોલવી ચિવલ્લરી, વિરાજમાન મૂર્ધની
ધગ ધગ ધગ જ્વલંમ લલાટ પટ્ટ પાવકે
કિશોર ચંદ્ર શેખરે, રતિ પ્રતિ ક્ષણં મમ
આવા આરાધ્ય દેવ મહાશિવશંકરના પાવન પર્વ નિમિતે એટલું જ કહી શકાય કે
હિમાલય પર નથી જાવું, નથી  કૈલાશને અડવું
નથી શિવની જટાથી, જ્હાનવી રૂપ લઈ નીચે પડવું
ફક્ત એક નાની શી ઈચ્છા રમી રહી છે હ્યદય મારે
બીલીનું પત્ર થઈ, ભોળાનાથના મસ્તકે ચઢવું...

તમામ દેવોમાં ભગવાન શિવ જ એક એવા છે કે જેનો સમગ્ર પરિવાર પુજાય છે..ઉપરાંત શિવ એ એક એવા દેવ છે કે જેના મંદિરો પાછળ લય લાગે છે..બાકી કોઈ દેવી દેવતાના મંદીરો પાછળ લય લાગતું નથી..ભગવાન શિવ પર લિંબડીના રાજકવિ શંકરદાન દેથા લખે છે કે....

અંતરતણી વાતો અકથનીય ક્યાંક કહી જાતી નથી
સંસારની વિપત્તી વિકટ તે પણ સહી જાતી નથી
ક્યાં જઈ કથા કહું, સાંભળે કોણ ? કોણ દુખ હરનાર છે ?
ઓ શિવ ઓ શંભુ હવે એકો તુહી આકાર છે ...એકો તુહી આકાર છે....

અમિત દવેના જય શામ્બ 

Sunday, February 13, 2011

પ્રેમના પર્વ પર પ્રેમથી....


વેલેન્ટાઈન ડે...પ્રેમનો પર્વ.... આ સપ્તાહ...ભારતથી લઈ દુનિયા ભરમાં ચો તરફ પ્રેમનું પાગલપન જોવા મળે છે. 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી કરતા વધું તૈયારીઓ...અને દિવાળી જેટલી ખરીદીઓ...પ્રેમ પર અત્યાર સુધીમાં એટલું લખાયું છે કે પ્રેમ અંગે કંઈ વધારે લખવું એ કદાચ મારી હેંસિયત બહારની વાત છે...


કાંતિ ભટ્ટ કહે છે તેમ કે હાલના સમયમાં લગ્નમાં બને તેટલો વિલંબ અને ડાયવોર્સમાં ઉતાવળ થઈ રહી છે ત્યારે ફાંટેલા પાનાઓ જેવા ફાંટી જતા સગપણના આ સમયમાં....જ્યાં મિત્રોની સાથે  પ્રેમી  અને  પ્રેમિકાઓ પણ એકસ્પાયરી ડેટ્સ સાથે આવે છે તેવા આ યુગમાં જો કોઈ એક વ્યક્તિ આપણને અથવા તો આપણે કોઈ એક વ્યક્તિને  પૂર્ણ રીતે પ્રેમ કરી શકીએ તો ખરેખર જનમ સફળ થઈ જાય. સાહિત્યનો સંગ્રહ કરવાનો મને શોખ છે એટલે મારા કલેક્શનમાંથી પ્રેમ અંગેની થોડી વાતો આપના સમક્ષ મુકુ છું...આશા છે આપને ગમશે..

પ્રેમ એટલે,
કાળજી, સંભાળ, ખુશાલી, કોઈનો સંગાથ, હુંફાળી લાગણી, સામી વ્યક્તિનો બધી રીતે સ્વીકાર, વિશ્વાસ,મૈત્રી, સમર્પણ, સમજણ, પ્રામાણિકતા, સન્માન, સંતોષ, મધુરતા, દિલની ધડકન, નિકટતા, ઐક્ય,વચનબદ્ધતા, કોઈની હાજરી માત્રથી આનંદ અને કોઈનો વિયોગ...

પ્રેમ એટલે તમારા માટે તમે જેટલા પ્રામાણિક છો  તેટલા જ બીજા માટે હોવું

પ્રેમ એ એવી ભૂમિ છે જેના પર રસ્તાઓની રેખા નથી હોતી

પ્રેમ એક એવી ચળ છે જે ખંજવાળી શકાતી નથી

પ્રેમ ભૂત જેવો છે બધા તેની વાતો કરે છે પરંતુ બહુ ઓછાને તેનો અનુભવ હોય છે.

પ્રેમ એ ન કહી શકાય તેવી વાર્તા છે.

પ્રેમ અને મીણબત્તી પોતાના પ્રકાશમાં જ ઓગળે છે

આબરુદાર માણસ કદી પ્રેમ નથી કરી શકતો

ક્યારેય ન માણી હોય એવી મોસમનો કલરવ યાદ આવે ઈ પ્રેમ છે
ને દાઢી કરતા લોગી નિકળેને પાલવ યાદ આવે ઈ પ્રેમ છે. - મુકુલ ચોકસી

આમ તો કરવો તો પ્રેમ મારે પુરી દુનિયાને પણ વચ્ચે તમે થોડા વધારે ગમી ગયા.–મુકેશ જોષી

સાચો પ્રેમ હંમેશા ખોટી વ્યક્તિ સાથે નહીં...ક્યારેક ક્યારેક ખોટા સમયે થાય છે.

સ્ત્રીઓ પ્રેમ કરવા માટે સર્જાઈ છે સમજવા માટે નહીં – ઓસ્કર વાઈલ્ડ

મુહોબ્બત શું છે  ? શું સમજાવું તમને ?  કદી કોઈ વારે તહેવારે રડ્યા છો ? – પાલનપુરી

ઈશ્ક મે ઈશ્ક હૈ તો ઈશ્કકા ઈઝહાર હોના ચાહિયે, આપકો ચહેરેસેભી બિમાર હોના ચાહિયે.

જો મે ઐસા જાનતી કે પ્રિત કીયે દુખ હોય, નગર ઢંઢેરા પીટતી કે પ્રિત ન કીજો કોઈ. –મીરા

પ્રેમ અને પુસ્તક વચ્ચે ઘણી સામ્યતા છે. કેટલાક પુસ્તકોનું આપણે ખાલી મુખપૃષ્ઠ જોઈએ છીએ, કેટલાંકના ખાલી પાના ઉથલાવી મુકી દઈએ છીએ, કેટલાંક આપણા તકીયા નીચે મુકી રાખીએ છીએ..અચાનક આંખ જ્યારે પણ ખુલે ત્યારે વાંચવા મંડીએ છીએ...કેટલાંક પુસ્તકના શબ્દે શબ્દ વાંચી નાંખીએ છીએ..એમાં ખોવાઈ જઈએ છીએ...કેટલાંક પુસ્તકોમાં રંગબેરંગી નિશાનીઓ કરીએ છીએ..અને કેટલાંક પુસ્તકોના નાજૂક પૃષ્ઠો પર નિશાની કરતા પણ ડરીએ છીએ.–પંજાબી કવિતા

પ્રેમમાં ક્યાં જાણકારી હોવી જોઈએ, બસ હ્યદય વચ્ચે કટારી હોવી જોઈએ
શ્રી હરિને છોકરીમાં સામ્યતા, બેઉં જણ માટે પુજારી જોઈએ.– મુકેશ જોષી

પ્રેમ અમારો મહાદેવને અમે એના નંદીજી,આંખ મારતી જે જે છોરી અમે એમના બંદીજી.- ઉ.ઠક્કર

કિનારા પરની રેતીમાં ખોવાઈ ગયેલી વીંટી જેવો છે પ્રેમ,પ્રેમ મળશે એની આશામાને આશામાં તમે શોધ્યા જ કરો છો.... વીંટી કેમેય કરી મળતી નથી પરંતુ આશા મરતી નથી.–તેલુગુ કવિતા

મીણબત્તીના મીણને કોઈએ પ્રશ્ન પુછ્યો કે સળગે  છે તો દોરો પણ તુ કેમ ઓગળે છે ત્યારે મીણબતીએ સરસ જવાબ આપ્યો કે જેને દિલમાં સ્થાન આપ્યું હોય તે સળગેને તે જોઈ શકાતું નથી.

વો લમ્હા સારે જહાં કી ઈબાદત સે પ્યારા હૈ, જો એક ઈન્સાને ઈન્સા કી મુહોબ્બતમે ગુજારા હૈ

કર્યો છે રમ્ય ગુનો મે દરેક ગુના સાથે .જરાક પ્યાર પણ આપો મને સજા સાથે.- ર.મણિયાર

દિલમે ન હો જુર્રત તો મુહોબ્બત નહીં મિલતી,ખૈરાતમે ઈતની બડી દૌલત નહીં મિલતી – નિદા ફાઝલી

જો હો ઈક બાર વો હર બાર હો ઐસા નહીં હોતા, હંમેશા એક હી સે હો પ્યાર ઐસા નહીં હોતા,
કહી તો કોઈ હોગા જીસકો અપની ભી જરૂરત હો,હર ઈક બાજીમે દિલકી હાર હો ઐસા નહીં હોતા.-નિ.ફા.
ગભરૂ આંખમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લીજ્જત છે
ચર્ચાનો વિષય એ હોઈ ભલે ચર્ચાઈ જવામાં લીજ્જત છે
દુખ પ્રિતનું જ્યાં ત્યાં ગાવું શું ? ડગલે પગલે પસ્તાવું શું ?
એ જો કે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લીજ્જત છે.
જે અંધ ગણે છે પ્રેમને એ આ વાત નહીં સમજી જ શકે
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લીજ્જત છે. 
                                                                        

થઈ ગયું મિલન પ્રચાર કરો, રાત જાય છે, પડછાયા સાથે પ્યાર કરો, રાત જાય છે, વાતો ઘણી થઈને ખુલાસા ઘણા થયા, થોડો હવે તો પ્યાર કરો, રાત જાય છે.પાગલ છો ? ચાંદનીને કહો છો કે જા નહીં, કંઈ એનો તો વિચાર કરો, રાત જાય છે. – સૈફ પાલનપુરી

મુહોબ્બતને શબ્દોમાં ઢાળીને મોકલી, ગુસ્તાખી એટલી કે વાળીને મોકલી. – સાંઈરામ

હવે આટલા બધા લોકોએ એક વિષય પર આટલું બધું લખ્યું હોય તો ભલા બીજુ કંઈ લખવાની આપણી શી મજાલ....તો ચાલો ત્યારે.....
જય વેલેન્ટાઈન....

તા.ક. : આજના દિવસે તમને એવા મેસેજ આવે કે 14 ફેબ્રુઆરીએ શહિદ ભગતસિંહને ફાંસી અપાઈ હતી અને આપણે તેને ભુલી અને વેલેન્ટાઈન ડે મનાવી રહ્યા છીએ...તો તમારા એ શુભચિંતકને જાણ કરવી કે ભગતસિંહને 14 ફેબ્રુઆરી 1931 નહીં પણ 23-3-1931નાં દિવસે ફાંસી અપાઈ હતી. તમે વેલેન્ટાઈન ડે ઉજવો એમાં ભગતસિંહને કોઈ વાંધો નથી. જય હિંદ. 

Monday, January 10, 2011

.....તો પ્રેમ ભર્યું જીવતર પતંગ થઇ જાય...



"પ્રેમ કોઈ માણસને સંગ થઇ જાય 
તો પ્રેમ ભર્યું જીવતર પતંગ થઇ જાય" 

               મસ્તી, મિત્રો અને માંજાનો ત્રિવેણી સંગમ એટલે મકર સંક્રાંતિ. ઉતરાયણ અને મકર સંક્રાંતિને અમારા ગામડામાં "ખીહર" કે'વાય. મસ્તીની સાથે સાથે મકર સંક્રાંતિનું આપણા દેશમાં ધાર્મિક અને આધ્યાત્મિક પણ એટલું જ મહત્વ છે. મકર સંક્રાંતિ માત્ર ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર દુનિયામાં ઉજવાય છે અને તમામ જગ્યાએ તેની ઉજવણી પાછળ અલગ અલગ મહત્વ અને અલગ અલગ કારણો છે. જો કે વસંતઋતુમાં આવતા આ પર્વને એશિયામાં અનોખી રીતે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ પર દાન પુણ્ય અને સ્નાનનું અનોખું મહત્વ છે.ખાસ કરીને હિંદુઓ આ પર્વ સૂર્યનો આભાર માનવા મનાવતા હોવાનું ઇતિહાસમાં ટાંકવામાં આવ્યું છે.આ દિવસે લોકો આભાર પત્ર રૂપી પતંગોને  સૂર્ય તરફ મોકલી સૂર્ય જે પૃથ્વી માટે નિશ્વાર્થ પણે પોતાની ફરજ અદા કરે છે તેનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરે છે. પતંગ ઉડાવવાની પ્રથા માત્ર ભારતમાં જ નહિ પરંતુ અનેક દેશોમાં જોવા મળે છે.
               ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો ત્યાં લોકો પોતાનો  સંદેશ ઈશ્વર સુધી પહોચાડવા માટે પતંગ ઉડાવે છે. તો થાઇલેન્ડમાં પણ લોકો પોતાની પ્રાર્થના ભગવાન સુધી પહોચાડવા પતંગ ઉડાવે છે. વળી કોરિયામાં લોકો પોતાની સમૃદ્ધિ વધારવા માટે પતંગ ઉડાવે છે. એટલું નહિ કોરિયામાં તો કોઈ બાળક જન્મે એટલે તેની જન્મ તારીખ અને તેનું નામ પતંગ પર લખી આ બાળકના વિકાસ માટે પતંગને આકાશમાં મુકવામાં આવે છે. 
                પતંગના ઇતિહાસ પર નજર કરીએતો અંદાજે ૨૮૦૦ વર્ષ પહેલા ચીનમાં સૌપ્રથમ વાર પતંગ ઉડાવવાની શરૂઆત થઈ હોવાનું જાણવા મળે છે. જોકે અન્ય દેશોમાં પતંગ ઉડાવવાની વાતો સાંભળ્યા પછી આપણે આ તમામથી થોડા અલગ પડીએ છીએ. કારણકે બીજા બધા દેશોમાં પતંગ ચગાવવામાં આવે  છે અને આપણે ત્યાં પતંગ કાપવાની પ્રથા છે.  જોકે આ એક આનંદ- પ્રમોદની વાત છે. પણ પતંગ પાસેથી જો શીખવામાં આવે  તો ઘણું બધું શીખવા જેવું છે. 
એક અંગ્રેજી કેહવત છે કે... 
Don't be afraid of opposition.Remember that a kite rises against - not with - the wind.
               પતંગ આપણને શીખ આપે છે કે જીવનમાં નાની નાની વસ્તૂઓને ક્યારેય અવગણવી ના જોઈએ, કારણ કે "કાની" અથવા તો નાનકડી પૂછડી ગમે તેવા અસ્થિર પતંગ ને સ્થિર કરી શકે છે. આમ તો ઉતરાયણ  બાળકોનો તેહવાર છે  પણ એક રિસર્ચમાં સૌથી વધુ મોટા લોકો પતંગ ઉડાવતા હોવાનું બહાર આવ્યું છે. આપણને કોઈ પતંગ ઉડાવવાના નીતિનિયમો કહે તો આશ્ચર્ય લાગે પરંતુ થાઈલેન્ડમાં પતંગ ઉડાવવાના ૭૮ નિયમો છે. 
ઉતરાયણ અંગે ભાઈ સાઈરામને પૂછ્યું તો એમનું કેહવું છે કે..
"પતંગ ચગાવાય છે ઉતરાયણમાં ધાબા ઉપર, 
ગામ આખું ખડકાય છે ઉતરાયણમાં ધાબા ઉપર,
બાજુ વાળી છોકરીને બે ગીતો સંભળાવવા, 
દી' આખો ઈ દુખી થાય છે ઉતરાયણમાં ધાબા ઉપર...


ભગવતી કુમાર શર્માતો ઉતરાયણના દિનને ધરાના પાણીપત અને ગગનના પ્લાસીના યુદ્ધ સમાન ગણાવે છે.તો રમેશ પારેખ લખે છે કે... 
કેટલા ખેલ્યા હતા તે  જંગ ખુદા પૂછશે, 
તે લૂટ્યો તો કેટલો ઉમંગ ખુદા પૂછશે...
અને અંતમાં 
પ્રેમ અને મસ્તીનો સંગ થઈ જાય, 
તો માણસનો ચેહરો પતંગ થઈ જાય....

               તો આ ઉતરાયણ પર કોઈની પતંગ કાપવા કરતા આપણે આપણા અહંકાર, ઈર્ષા અને ક્રોધના પેચ કાપીએ..અને વર્ષોથી રૂઠેલા સ્વજનો સાથેના સંબંધોમાં સીંચ મારવા કરતા ઢીલ આપીએ...જેથી આપણો પ્રેમ પત્ર રૂપી પ્રાર્થનાનો પતંગ પરમેશ્વરના ચરણોમાં પહોંચે.