Friday, August 12, 2011

એક બહેન તો હોવી જ જોઈએ.....


એક બહેન તો હોવી જ જોઈએ.....

  • જેની સામે તમે ઘરમાં  જોહુકમી કરી શકો
  • જેને હાલતા ચાલતા ટપલા મારી હેરાન કરી શકો
  • જેની જીદો અટકાવી, તમારૂ ધાર્યું કરાવી તમે તમારા અસ્તિત્વનો આનંદ માણી શકો
  • કોઈને પણ ન કહી શકો તે વાત પ્રેમથી વિના સંકોચે જેને કહી શકો
  • મમ્મી-પપ્પાની ડાંટ સામે જેને હથિયાર બનાવી શકો
  • જે પપ્પાથી તમને બચાવવા તમારા કરેલા બધા તોફાન પોતાના માથે લઈ લે
  • જે નવા વર્ષના દિવસે તમારા તૂતિયારા વેળાને લીધે તહેવાર છોડી તમારા કપડાને ઈસ્ત્રી કરતી હોય 
  • જે તમારી નવી જોડી લીધા પછી તેના શ્રી ગણેશ ક્યારથી કરવા તે નક્કી કરતી હોય  
  • જે તમારી કરેલી ભૂલોને લીધે બીજાની થપ્પડ પણ ખાઈ લેતી હોય
  • જે કોઈ પણ વાનગી બની હોય ત્યારે  મારો ભાઈ બાકી છે એમ કહી થોડો ભાગ રાખી મુકતી હોય
  • જે તમને ખૂબ પ્રેમ કરતી હોય પણ તમારા આંખના પલકારાથી પણ ડરતી હોય
  • આખા ઘરની વિરૂદ્ધ થઈ તમને રાજી કરવા પોતાના તમામ શોખનું ગળુ દબાવી દેતી હોય
  • તારો ભરોસો નહીં તેમ કહીં હમઉમ્ર બહેનપણીને ઘરમાં પણ ન આવવા દેતી હોય   
  • બાજુ વાળી છોકરી જો ભુલથી હસીને વાત કરે તો તમારા પર કાળકા થઈને વરસતી હોય

આવું બધું અવાર નવાર કરતી હોય તેવી એક બહેન તો હોવી જ જોઈએ.

 જો એક બહેન હોય....
  • તો જ સંવેદનાની અનુભૂતિ આવે
  • તો જ પગે લાગેલી ઠોકરનો અહેસાસ આવે
  • તો જ ઘરમા તમને સતત ખૂંચી રહેતા ખાલીપાનો ખ્યાલ આવે


બહેન એ ક્યારેક દિકરી સમાન હોય છે તો ક્યારેક માં સમાન.  મોટી બહેનના હાલરડા સાંભળો તો એ મા થી કમ નથી હોતા અને નાની બહેનને ખોળામાં સુવડાવવાનો આનંદ એ દિકરીથી કમ નથી હોતો. રવિન્દ્રનાથ ટેગોર બહેનને જનનીની પ્રતિનીધી ગણાવે છે.

સ્થિર ધેર્ય ભરે ભરાઘટ લયે માથે, વામકક્ષે થાલી, યાય બાલા ડાન હતે,
ધરિ શિશુકર જનનીર પ્રતિનિધી, કર્મ ભારે અવનત અતિ છોટો દિદિ- ટેગોર
(ભરેલો ઘડો માથે લઈને ડાંબી કાંખમાં થાડી રાખીને જમણા હાથે શિશુનો હાથ જાલી એક બાળા ચાલી જાય છે ..કામના ભારથી નમેલી આ નાનકડી મોટી બ્હેન જનનીની પ્રતિનિધી છે. )

મારે સગી બહેન નથી પણ મનામણા રિસામણામાં રક્ષાબંધનની સાંજ સુધી ક્યારેક પિતરાઈ બહેન પાસે રાખડી નહોતો બાંધતો. અને એટલે જ આજે કદાચ રક્ષાબંધને કાંડુ ખાલી રહે છે. રાખડી તો કુરિયરથી પણ પહોંચી જાય છે. પણ જેની પાસે પહોંચવું હોય છે તેની પાસે પહોંચી શકાતું નથી. બહેનો સાથે તોફાન મસ્તીમા ગાળેલા એ દિવસો આજે ખુબ યાદે છે...પણ ન તો એ દિવસો પાછા આવી શકે તેમ છે કે ન બહેનો...એટલે જ અહેસાસ  થાય છે કે એક બહેન તો હોવી જ જોઈએ...


4 comments:

Unknown said...

very true amitbhai,એક બહેન તો હોવી જ જોઈએ.....

Anand Shukla said...

Nice....

Kruti said...

Very true.. in fact ek bahen ne pan biji bahen hovi joie :)

Keyur pujara said...

Ben vina na Bhai ne pn bahen hovi joiae ..😔
Ben vina nu jivan adhuru che..